${fontLinkMarker}

ધોડિયા બોલી/ભાષા

ધોડિયા બોલીઃ-

ધોડિયા જાતિ જે બોલી બોલે છે તેતેમની અસલ મૂળ ભાષા, મૂળબોલી ધોડિયા ( Dhodia Dialect ) છે. એ બોલી માતૃ ‘‘ બોલી ’’ જ રહી છે. ગુજરાતી ભાષા, જેમ એની પ્રાથમિક દશામાં એક બોલી જ હતી અને સમય જતાંએ ભાષા સ્‍વરૂપમાં આવી ગઈ. તેવી રીતે ધોડિયા બોલીનું થઈ શકયું નથી. એ રીતે એ બોલીને હજી સુધી લીપીનું સ્‍વરૂપ મળી શકયું નથી. વૈજ્ઞાનિક રીતે જે સંશોધન થવું જોઈએ, તે પણ થયું નથી. શ્રી રા.વિ.પાઠક કહી ગયા તેમ ‘‘કોઈ ભાષા શાસ્‍ત્રીએ તેમની ભાષાના કોષો, વ્‍યાકરણો વગેરે લખી નાંખવા જોઇએ અને હવે તેની વાર કરવા જેવું નથી. પંદર વરસ પછી આમાંનું કશું ભાગ્‍યે જ જડશે.’’

ધોડિયા જાતિના લોકો ઉપરાંત નાયકા કહેવાતા આદિવાસીઓ પણ આજ બોલીનો ઉપયોગ કરતા હતા... કરે છે.

સત્તાવાર નોંધ પ્રમાણો ધોડિયા બોલીએ ‘‘ભીલી બોલીની અનેક શાખાઓમાંની એક શાખાની બોલી’’ તરીકે વર્ગીકરણા પામી છે.

ધોડિયા બોલીનો વિસ્‍તારઃ-

ધોડિયા જાતિના લોકો ગુજરાતમાં મુખ્‍યત્‍વે સુરત-વલસાડમાં તાપીથી વાપીના વિસ્‍તારમાં બહુ થોડા જંગલ, ડુંગરીઓમાં અને વધુ લોકો સપાટ પ્રદેશમાં વસેલા છે. શહેરમાં વસેલા ધોડિયા લોકોને બાદ કરતાં લગભગ બધા જ લોકો જ લોકો ધોડિયા બોલીનો ઉપયોગ કરે છે.

શ્રી ગ્રિયર્સને હાલના ગુજરાત, મહારાષ્‍ટ્રની આદિવાસી બોલીઓને ભીલી બોલીઓ તરીકે ગણાવીને તેમાં બોલાતી આદિવાસી બોલીઓ વિશે લખતાં જણાવ્‍યું છે. ઃ ‘‘સુરતથી નાસિક સુધીના વિભાગમાં કેટલીક ‘‘જંગલી’’ જાતિઓ જેવી કે નાયકા, ધોડિયા, ગામીત અને ચૌધરી વસ્‍તી છે અને તેઓ ભીલી ભાષાની શાખા ગણાય એવી બોલી બોલે છે એ બોલીઓ કે જેનાં નામ ભલે જુદાં જુદાં હોય... અને તેની સંખ્‍યા ર૮ કરતાં વધુ નથી.’’ પણ તે બધી જ એક ભાષાના સ્‍વરૂપના સારરૂપ જેવી છે.

શ્રી જયોર્જ ગ્રિયર્સનની અનુસાર ભીલી બોલી બોલનાર કુલ સંખ્‍યા ર૬,૮૯,૧૦૯ હતી. જેમાં ૧૧,૬૩,૮૭ર પરિનિષ્‍ઠત ભીલી તથા ૧પ,ર૬,ર૩૭ કનિષ્‍ઠ ભીલી બોલીઓ બોલનારા હતા. ઉપરોકત આંકડાઓમાં છેલ્‍લી સંખ્‍યામાં ધોડિયા બોલી બોલનારની સંખ્‍યા આવી જાય છે. ૧૮૯૧માં ધોડિયા બોલી બોલનારની સંખ્‍યા ૬૦,૦૦૦ જેટલી નોંધાઈ હતી. જયારે ૧૯૬૧માં અને ૧૯૮૧માં અનુક્રમે ર,૭પ,૭૮૭ તથા ૪,૪૯,૧૨૯ સંખ્‍યા નોંધાઈ હતી.

ધોડિયા બોલીનો ઉદભવઃ-

સત્તાવાર નોંધ પ્રમાણે ધોડિયા બોલીએ ભીલી બોલીની અનેક શાખાઓમાંથી એક શાખાની બોલી તરીકે વર્ગીકરણ પામી છે. તેથી એના ઉદભવ અંગેનો ઈતિહાસ તપાસવા જતાં ભીલી બોલીને કેન્‍દ્રમાં રાખવી પડશે. કારણ કે જયોર્જ ગ્રિયર્સન જેવાએ અખિલ ભારતીય ધોરણે ભાષાકીય તપાસ કરીને ઉપલું વિધાન કરેલ છે. ભીલી બોલીના ઉદભવ અંગે નીચેના વિધાનો ધ્‍યાન ખેંચે તેવા છે. તે તપાસવાથી ધોડિયા બોલીના ઉદભવનો ખ્‍યાલ આવી શકશે.

ભીલીના ઉદભવ અને વિકાસ અંગે વિધ્‍વાનોમાં બે વિચારધારા પ્રવર્તે છે.

૧. ભીલી એક આર્યેતર પ્રજાતિ છે અને જેની આર્યપૂર્વ ભાષા કોઈ આર્યેતર સ્‍ત્રોત, મુંડા યા દ્રવિડ (મુંડાની સંભાવના વધુ) છે.

ર. ભીલી એ આર્યભાષાન્‍તર્ગત છે.

ભીલી એક આર્યેતર સ્‍ત્રોતઃ-

૧. જોકે આજે ભીલી ભાષા આર્યભાષા બની છે. તો પણ તેમાં થોડું આર્યેતર તત્વ જોવામાં આવે છે.

ધોડિયા બોલી - આર્યભાષાન્‍તર્ગતઃ-

હાલમાં ધોડિયા બોલીનું સ્‍વરૂપ મોટેભાગે ગુજરાતી, મરાઠીનુ’ મિશ્રણ છે. એમાં થોડા શબ્‍દો નોન આર્યન છે. તે પહેલાં કેટલીક મૂળ ભાષાઓમાંના હશે.

ઉપલી ચર્ચાના સારરુપે ઘોડિયા બોલીનુ’ પ્રાગાર્યરુપ જો હોય તો તે સંભવતઃ મુંડા ભાષાન્‍તર્ગત હતુ’ અને તેનો વર્તમાન ઢાંચો શુધ્‍ધતઃ આર્યભાષા છે.

ઘોડિયા બોલીનુ’ ભાષાકુળ ઃ-

  ઘોડિયા બોલીના વર્તમાન ઢાંચાને કેન્‍દ્રમાં રાખીએ તો, ઈન્‍ડો યુરોપિયન કુળની, ઈન્‍ડો ઈરાનિયત પેટા કુળની આર્યન શાખાની એક બોલી તે ઘોડિયા બોલી.

ઘોડિયા બોલી અન. અન્‍ય બોલીઓ ઃ-

  ગુજરાત રાજયના સુરત વલસાડ જિલ્‍લાઓમાં મુખ્‍યત્‍વે ઘોડિયા જાતિ ઘણાં વર્ષોથી અનય આદિવાસી જાતિઓ સાથે વસેલી છે. આજથી બરોબર ૧૩૦ વર્ષ પહેલાંની શ્રી જયોર્જ એ.ગ્રિયર્સનની નોંધ પ્રમાણેઃ-

  ‘‘સુરતથી નાસિક સુધીના વિસ્‍તારમાં ઘણી મોટી સંખ્‍યામાં આદિવાસી જાતિઓ વસેલી છે. જેવી કે નાયકા,ઘોડિયા,ગામીત,ચૌધરી વગેરે.... તેઓની જે બોલીઓ છે, તેનાં વિવિધ નામો છે.(તપાસ કરતાં જણાયું કે તે બધી ર૮ કરતાં ઓછી નથી.) તે બોલીઓના શબ્‍દો બંધારણ જોતાં મુખ્‍યતઃ ( Essentially )   એકજ બોલીના સ્‍વરૂપો છે.’’

શ્રી જયોર્જ એ.ગ્રિયર્સન પછી આજથી ૭૦ વર્ષ પહેલાં આદિવાસીઓ વિશે ગુજરાતના સુપ્રસિધ્‍ધ સાહિત્‍યકાર, વિવેચક અને કવિ શ્રી રા.વિ.પાઠકે ગુજરાતની પ્રજાનું ધ્‍યાન દો્ર્યું હતું. તેમણે દશ ગુજરાતી શબ્‍દો લઈ તેને ચૌધરી, ગામીત, નાયકા, ઢુડિયા....કુલ ચાર આદિવાસી બોલીમાં નોંધ્‍યાં છે. વળી તેમણે ચૌધરીઓ, અને નાયકાની બોલીઓના ઉચ્‍ચારનુ’ ટુંકું વિવેચન કરી નોંભ્‍યું છે. અને ટકોર કરી છે.ઃ

  ‘‘કોઈ ભાષાશાસ્‍ત્રીએ તેમની ભાષાનાં કોષો,વ્‍યાકરણો વગેરે લખી નાંખવા જોઈએ, અને હવે તેની વા કરવા જેવું નથી. પંદર વર્ષ પછી આમાંનું ભાગ્‍યે જ જડશે.’’

ઘોડિયા બોલીની સીમાવર્તિની અને સાથી બોલીઓ અને ભાષાઓઃ-

  ઘોડિયા બોલીને કેન્‍દ્રમાં રાખીને તપાસતાં તેની તદન નજીક અને ચોતરફ સુરત, વલસાડ જિલ્‍લામાં ગુજરાતી ભાષા અને વલસાડની દક્ષિણ પૂર્વે ડાંગ જિલ્‍લો હોવાથી ત્‍યાં બોલાતી ડાંગી બોલી જે વધુ મરાઠી અસરવાળી છે. તેનો ઉલ્‍લેખ કરવો જરૂરી ગણાય.સુરત જિલ્‍લાની પૂર્વમાં દુર પશ્ચિમે ખાનદેશી બોલી બોલાય છે.

  ઘોડિયા બોલી અને આ જાતિના વસવાટ સંબંધમાં એક બાબત નોંધવા જેવી એ છે કે ધરમપુર,વાંસદા,ઉમરગામના જંગલ અને ડુંગરોવાળો પ્રદેશ બાદ કરતાં બાકીના તાલુકાઓમાં એકંદરે સપાટ પ્રદેશમાં એમનો વસવાટ રહયો છે. ગુજરાત બહાર થાણા, નાસિક વિસ્‍તારમાં સપાટ   ડુંગર અને જંગલવાળા વિસ્‍તારોમાં આજે પણ આ જાતિ છે જ.

  આમ મોટાભાગની વસ્‍તી સપાટ પ્રદેશમાં રહેતી હોવાથી બિનઆદિવાસી પ્રજા કે જે ગુજરાતી ભાષી કે વલસાડની છેક દક્ષિણે મરાઠી-ગુજરાતી ભાષી છે, તેની અસર ધોડિયા જાતિની બોલી ઉપર સ્‍વભાવિક રીતે જ રહી છે.

  સુરત જિલ્‍લાના મહુવા, વાલોડ, વ્‍યારા અને સોનગઢ વગેરે તાલુકાઓમાં મુખ્‍યત્‍વે ચૌધરી, નાયકા, ગામીત, વસાવા બોલીઓના સંપર્કમાં ઘોડિયા બોલી છે. વલસાડ જિલ્‍લામાં કોંકણી બોલી અને સૌથી નજીકની આદિવાસી બોલી રહી છે. સુરત, વલસાડ જિલ્‍લાની નાયકા જાતિ ઘોડિયા બોલી જેવી જ બોલી વાપરતા હોવાનું જાત તપાસમાં નોંધાયું છે. સુરત, વલસાડ જિલ્‍લાની બહાર પંચમહાલ અને રેવા કાંઠમની નાયકા-નાયકડા જાતિની બોલી ઘોડિયા બોલી કરતાં જુદી હોવાનો સંભવ છે. એ મુદો હજી વધુ સામગ્રી મેળવીને ચર્ચાતો હોવાથી અહીં માત્ર સુરત,વલસાડ જિલ્‍લાની નાયકા જાતિની બોલી જે ૯૯.૯ ટકા ઘોડિયા બોલીના સરખા ઉચ્‍ચારવાળી છે તે વિશે સોદાહરણ ચર્ચા કરી છે. આજથી ૭૦ વર્ષ પહેલાં શ્રી.રા.વિ.પાઠકના શબ્‍દોની નોંધ તપાસીએ.


ગુજરાતી   ઘોડિયા બોલી   નાયકી બોલી

મા                આઈડી           મા

બાપ             બાઃ                બાઃ

બહેન           બાઈ               બાઈ

વહુ               વહુ               વહુ

બળદ           ગોધા              ગોધા

ભેંસ              ભેંસડા           ભેંસડા

છે.                 આહે               આહે  

  કહે                આખ             આખ

  સાંભળ           આયક           આયક

  નાંખ            લાખ                નાંખ


સને ૧૯૦૧ ના ગેઝેટિયરમાં સ્‍પષ્‍ટ જ કહયુ’ છે કે નાયકા સુરત જિલ્‍લાની (તે વખતનો સુરત જિલ્‍લો કે જેમાં આજનો વલસાડ જિલ્‍લો કે જેમાં આજનો વલસાડ જિલ્‍લો પણ ગણી લેવાનો છે.) પૂર્વમાં અને દક્ષિણે રહે છે. એટલે નાયકા અને ઘોડિયાની બોલી લગભગ એકજ છે. એમ ઉપરના ઉદાહરણથી સમજી શકાય છે.

ઘોડિયા જાતિ એકંદરે સુરત,વલસાડ જિલ્‍લામાં જ વસવાટ કરતી હોવાથી તેમના રોજિંદા વહેવારમાં એ બોલીનો ઉપયોગ તેની તમામ લાક્ષણિકતાઓ   સાથે રહે છે. ઉપરોકત બે જિલ્‍લાઓ સિવાયના જિલ્‍લાઓમાં વસતા ઘોડિયાઓ તેનો નહિવત ઉપયોગ કરતાં હોવાનું જાણવા મળે છે. શહેરોમાં પણ ઘોડિયા બોલી નહિવત જ બોલાય છે.